Editorial
પીળા હાથ : ,” હું હવે પીળું પાન છું બેટા ! ગમે ત્યારે ખરી પડુ ! મારા પછી તારું કોણ રણીધણી?
“અવંતી ! બેટા હવે બહુ થયું તે મારી બહુ સેવા કરી પણ, હવે તારે પણ મારી એક વાત માનવી જ પડશે. છેલ્લા ચાર પાંચ વર્ષથી તો હું તને સતત કહું છું. છતાં તું મારી વાત ધ્યાને લેતી નથી. આ વખતે તો તને મારા દીકરાના સમ આપીને કહું છું તારે મારી વાત માનવી જ પડશે ! ”
કેસરબા એક વગદાર પરિવારના વિધવા કાકી હતા તેઓ પોતાની વહુ ને કંઈક સમજાવી રહ્યા હતા.
” ના બા ! તમે ખોટી જીદ કરો છો ભલે મારી ઉંમર ઓછી રહી પરંતુ હવે તો મારે તમારી સેવા કરી અને એમ જ જીવન ગુજારવું છે.” અવંતીની વાત કાપતા તરત કેસર કાકી બોલી ઉઠ્યા,
“ના…ના… જો જે હો ! હવે મારે કંઈ સાંભળવું નથી. આ વખતે તો મેં આપણા એક સમાજના જુવાનને જોઈ પણ રાખ્યો છે. તેને મને બે ત્રણ વખત તારા વિશે પુછવરાવ્યુ છે અને સાંભળ! આ વખતે હું એને હા પણ પાડી દીધી છે. હવે નિર્ણય તારા હાથમાં છે.”
અવંતી મોઢું મચકોડીને બોલી,”પણ….”
તેની વાતનો છેદ ઉડાડતા કાકીએ શબ્દો ફેંક્યા” પણ ને બણ.. મેં કીધું એટલે હવે તારે માનવાનું જ છે ! ” વળી પાછા મમતા ઢોળતા બોલ્યાં,” હું હવે પીળું પાન છું બેટા ! ગમે ત્યારે ખરી પડુ ! મારા પછી તારું કોણ રણીધણી? ભગવાન મને પોતાના ધામમાં બોલાવે એના પહેલા મારે તારું કંઈક ઠેકાણું કરીને જ જવું છે. જો આપણી થોડીઘણી જમીન છે, આ ઘર છે અને કેટલાક દાગીના છે એ બધું મેં અત્યારથી તારા નામે લખી દીધું છે. તને કંઈ જ તકલીફ નહીં પડવા દઉં. બસ હવે તને સુખરૂપ વળાવી અને શાંતિથી પરવારી જવા માગું છું.”
અવંતી કશું બોલ્યા વગર ચૂપચાપ કેસર કાકીના પગ પાસે આવી બેસી અને થોડીક માયૂસ ચહેરે બાના ખોળામાં માથું ઢાળી દીધું.કેસરકાકી અવંતીના માથે હુંફાળા હાથે પંપાળવા લાગ્યા.પોતે પણ થોડા વિસ્મય નજરે સામેની દીવાલ ઉપર ચંદનના હાર ચડાવેલો પોતાના દીકરાનો ફોટો ટીંગાડેલો હતો તેને એકીટશે જોઈ રહ્યા હતા.જાણે આજથી છ વર્ષ પહેલા જે ગોઝારા દિવસ વીત્યા હતા એ ફોટાની ફ્રેમમાં આળસ મરડતા હોય એમ સળવળ્યા !
કેસરબાના પતિ તો વર્ષો પહેલા ગુજરી ગયા હતા પરંતુ એકનો એક પુત્ર હતો તેને એમને પોતાની જાત મહેનતથી લાડે કોડે મોટો કરી અને એની મનપસંદ જગ્યાએ લગ્ન કરાવ્યા હતા. કેસરબાની કસોટી જાણે ભગવાન હજુ પણ વધુ કપરી કરતો હોય એ રીતે અવંતીના લગ્નના બે જ વર્ષમાં પુત્રનું રોડ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. વહુ અવંતી પણ વિધવા થઈ એટલે તેણે બીજે લગ્ન કરી લેવા કાકી ઘણી સમજાવી રહ્યા હતા. છતાં તે માનતી નહોતી.અવંતીના મા-બાપ પણ ઘણું દબાણ કરતાં હતા પરંતુ કેસરકાકી એકલા છે એવું જાણી અવંતી એમને છોડવા માગતી નહોતી. કેસરકાકી વારંવાર અવંતીને બીજા લગ્ન કરવા સમજાવતા હતા પરંતુ અવંતી વારંવાર એ વાતને અવગણતી હતી. કેસરકાકીએ તો પોતાના સમાજનો જ સારું ભણેલો અને કમાતા એક છોકરાને પસંદ પણ કરી રાખ્યો હતો. અવંતીને એક બે વખત છોકરાનો ફોટો બતાવી એના ભાવ પારખી લીધા જ હતા એટલે તેમણે પેલા યુવાનને પણ અવંતી વિશેની વાત નક્કી કરી દીધી હતી પરંતુ અવંતી માનતી નહોતી .સમય વીતતો ગયો અવંતીની ના ઉપર ના હોવા છતાં પણ કેસર કાકીએ છેવટે અવંતીને હા પડાવીને જ રહ્યા. સમાજના કહેવાતા આગેવાનોએ આ વાત જાણી તો કેસરકાકીને કડક શબ્દોમાં ઠપકો પણ આપ્યો. કેટલીયે ખરીખોટી પણ સાંભળી પડી.કાકી ના માન્યા એટલે વિધવા સાસુ-વહુને સમાજ બહાર પણ મુકી દીધાં. કેસરકાકી એ પસંદ કરેલો છોકરો પણ એટલો જ ખાનદાન નીકળયો. આવી કપરી સ્થિતિમાં પણ તે અવંતીને અપનાવવા તૈયાર હતો.બસ પછી તો કાકીને કંઈ વાતનો ડર ? એ બધાયે કડવા ઝેરના ઘૂંટડા મક્કમ મને કાકી ગળી જઈ અવંતીના ઘડીકમાં ઘડિયા લગ્ન કરાવી અને તેને સાસરે વળાવી દીધી.જેમ કોઈ સગા મા-બાપ પોતાની દીકરીને સારા નરસાનો તમામ ખ્યાલ કરી સાસરે વળાવે એમ ! વિદાય વેળા વિધવા સાસુ વહુની ઉભરાતી આંખો જોઈ સૌ કોઇ મોંમાં આંગળા નાખી જોઈ જ રહ્યા ! સાસુ વહુના આવા પણ હેત હોય એ વાત બધાનાં અંતર માનવા તૈયાર જ નહોતા.
કેસરકાકી સમાજના રિવાજ મુજબ અવંતીને સાસરે વળાવી. એ સાંજે દીકરીની વિદાયમા બાપની આંખો રડી રડીને કસુંબા જેવી થાય એમ ડૂબતો સૂરજ પણ રાતોચોળ બની સંધ્યાની લાલિમા પાથરી રહ્યો હતો. કેસરકાકી પોતાની પરસાળમાં દીકરીના વિયોગમાં જેમ માં બેઠી હોય એમ આંસુડા સારતા કેસરકાકી બેઠા હતા. એ જ વખતે તેમના જ ફળિયામાં એક બીજા કાકી હતા હીરાકાકી ! તે સાડીની સોડમાં જમવાનું લઈને કેસરકાકી પાસે આવીને બેઠાં. અંવંતીના લગ્ન વિશે તેમજ સુખ દુઃખની થોડી વાતો કર્યા પછી હીરા કાકી જતી વખતે કેસરકાકીના ખભે હાથ મૂકી અને રેલાતી આંખે એટલું જ બોલ્યા “મારે પણ રતનવહુના હાથ પીળા કરાવી દેવા છે. જુવાનજોધ ફૂલ જેવી દીકરીને વિધવાના રૂપમાં હવે મારે એને ઝાઝી સંઘરવી નથી. સમાજ ભલે ગમે તે કહે !”
કેસરકાકી આંસુડા લૂછતાં ફક્ત હકારમાં માથું હલાવી રહ્યા હતા…
* અવંતી કશું બોલ્યા વગર ચૂપચાપ કેસર કાકીના પગ પાસે આવી બેસી અને થોડીક માયૂસ ચહેરે બાના ખોળામાં માથું ઢાળી દીધું.
* ઝેરના ઘૂંટડા મક્કમ મને કાકી ગળી જઈ અવંતીના ઘડીકમાં ઘડિયા લગ્ન કરાવી અને તેને સાસરે વળાવી દીધી.
* “મારે પણ રતનવહુના હાથ પીળા કરાવી દેવા છે. જુવાનજોધ ફૂલ જેવી દીકરીને વિધવાના રૂપમાં હવે મારે એને ઝાઝી સંઘરવી નથી. સમાજ ભલે ગમે તે કહે !”
– વિજય વડનાથાણી.