Editorial
” હા જતીનભાઈ બોલો છો…?” ” હા..હા…આપ કોણ…?” સામેના છેડેથી પણ સવાલ સર્યો.
– વિજય વડનાથાણી.
💐 અપશું 💐
એક ઊંડો શ્વાસ લઈ સાંત્વના આપતો ભાવ રજૂ કરતી ડૉ.અપશું બોલી,” જી હું ડૉ.અપશું ! જીવન જ્યોત હોસ્પિટલમાંથી બોલું છું. તમારા પિતાજીને મારી હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને જરુરી સારવાર પણ ચાલુ કરી દીધી છે. આપ નિશ્ચિંત રહો. કોઇ પણ પ્રકારની ચિંતા કયૉ વિના શાંતિથી આવો અને હા ! એમને થોડો વખત દાખલ રાખવા પડશે માટે એ રીતની સગવડ સાથે આવજો.”
” જી ખૂબ ખૂબ આભાર ડૉક્ટરજી. હું બપોર સુધીમાં જરૂર પહોંચી જઈશ.” જતીને આભાર વ્યક્ત કરતા કહ્યું. જતીન પોતે એક નબળી આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા કુટુંબમાં ઉછરેલો અને ધોરણ ૧૨ સુધી ભણેલો વીસ વર્ષનો નવયુવાન હતો. કામચલાઉ નોકરીઓ અને નજીવા વેતને કામ કરી કરીને કંટાળી નોકરીની શોધમાં ભાડાં માટેના રૂપિયા પણ ઉછીના લઈ આજે વહેલી સવારે જ અમદાવાદ ગયો હતો પણ ભગવાન જાણે જતીનને જપ ન કરવા દેવા માંગતો હોય એમ પોતે અમદાવાદ પહોંચ્યો જ હતો ત્યાં બીજી બાજુ ઘરે એના પિતાજી અચાનક ગંભીર બીમાર થઈ ગયા. ઘરે તો કોઈ નહોતું પણ સદનસીબે એક પડોશીને જાણ થતાં તેમણે તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી જતીનના પિતા જગમોહન કાકાને આ જીવનજ્યોત હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે ડૉ.અપશુંના ફોનથી તેને થોડી સાંત્વના સાંપડી હતી.
બપોરના ત્રણેક વાગ્યે તે જીવન જ્યોત હોસ્પિટલમાં પહોંચ્યો. ત્યાં જઈને ડૉ.અપશુને મળ્યો.પિતાજીને પણ મળી આવ્યો. તેણે જોયું કે પિતાજીની હાલત હજુ પણ નાજુક હતી. બાદમાં તે ફરીથી ડૉ.અપશુંને મળ્યો. ડૉક્ટરને મળવાથી જાણવા મળ્યું કે પિતાજીને શરીરની જમણી બાજુના આખા ભાગમાં લકવાની અસર થઈ ગઈ છે. અહીંયા તેમને પુરા બે મહિના સારવાર હેઠળ રાખવા પડશે. અપૂરતી કે અધૂરી સારવાર પિતાજીના આખા શરીરને બેજાન બનાવી શકે તેમ હતું.
ડૉ.અપશુંનો માનવતાવાદી સ્વભાવ અને દર્દી પ્રત્યે કાયમ ચિંતા એ જતીનને જાણે હિંમત અને હૂંફ આપી રહ્યા હતા. જતીનને ત્રણ પરણેલી મોટી બહેનો હતી. એ પણ બધી હવે તો આવી પહોંચી હતી.સરકતા પાણીની જેમ સમય વીતવા લાગ્યો.ડૉ.અપશુંને જતીન સાથે હવે તો એટલી છૂટછાટ થઈ ગઈ હતી કે પોતે જતીનને ઘણીવાર પોતાના કેન્ટીનમાં જમાડતી. ઊંઘવા માટે પણ એક રૂમ ફાળવી દીધો હતો જે બધી જ સગવડોથી સજ્જ હતો. જતીનને પણ ડૉ.અપશું સાથે રહેવું ગમવા લાગ્યું હતું. જતીનની ત્રણ બહેનો આ બાબત ઘણીવાર નોંધતી હતી.એ બહેનોને ડૉ.અપશુંનો જતીન પ્રત્યેનો લગાવ અણછાજતો લાગતો હતો.આ બાબતે તેમણે એક બે વાર જતીનને ટોક્યો પણ હતો.
એકાદ મહિનો પૂરો થયો. એક સવારે ત્રણ બહેનોમાંથી સૌથી મોટી બહેન હાંફતી હાંફતી આવી અને જતીનને તો રીતસરના તતડાવવા જ લાગી,” જતીન ! તું તો સાવ બુધ્ધ છે ! એક મહિનો પૂરો થયો પણ તે વિચાર્યું કે આ હોસ્પિટલનુ બીલ કોણ ભરશે ? કંઈ સગવડ કરી છે કે નહીં ? મને તો રાત્રે જ ખબર પડી કે આ હોસ્પિટલમાં આપણું પેલું બીપીએલ કાર્ડ જેના આધારે સરકારી સહાય મળે છે તે નથી ચાલતું !”બહેનની વાત સાંભળી પહેલા તો એને તો મનમાં ધ્રાસકો પડ્યો હતો. જતીનના માથે તો જાણે આભ તુટી પડ્યું ! માનસિક સંતુલન જાણે હમણાં ખોવાઈ જશે, હૃદય હમણાં ધબકારો ચૂકી જશે ! એવું થવા લાગ્યું હતું.અડધો કલાક તે એમ જ બેસી રહ્યો. પછી મહામહેનતે એને પોતાના હૃદય અને મસ્તિષ્ક ઉપર કાબુ મેળવ્યો. સવારથી તે આમ જ બેચેન ફરી રહ્યો હતો અને લગભગ આઠ-દસ જણ સંબંધીઓને ફોન પણ કરી ચૂક્યો હતો પરંતુ ક્યાંય કોઈ રસ્તો દેખાતો નહોતો.10:00 વાગ્યાનો સમય થતાં ડોક્ટર અપશુ દવાખાને આવ્યા. બધા જ દર્દીઓને પ્રથમ રાઉન્ડમાં ચેક કરી અને તે પોતાની ઓફિસમાં પાછા ફર્યા. જતીન આજ સમયની રાહ જોઈને બેઠો હતો. ડોક્ટર ઓફિસમાં આવતા જ તે ઝડપથી એમની ઓફિસમાં પહોંચ્યો. તેનો ચહેરો માયૂષ અને નિશ્તેજ હતો. આંખો હમણાં ઉભરાઈ જશે એમ લાગતું હતું. હાથ પણ અનાયાસે જ જોડાઈ રહેલા હતા. ડોક્ટર અપશુંને નવાઈ લાગી કે દરરોજ હંમેશા સ્મિત સાથે જતીનનો ચહેરો રહેતો અને આજે કેમ આટલો મુરઝાઈ ગયેલો છે ? તેમણે તરત જ પૂછ્યું,” શું થયું જતીન ? કેમ આટલો ઉદાસ છે ? હવે તો તારા પિતાજીની હાલત પણ ઘણી બધી સુધારા પર આવી ગઈ છે. માંડ એકાદ મહિનો જ અહીંયા રાખવા પડશે. પછી તો એવા ને એવા સ્વસ્થ થઈ જવાના છે. ચિંતા શાની કરે છે જતીન ?” પોતાની જાતને ના સંભાળી શકતા તે આંસુડા પાડતો સીસકારા ભરતો ધ્રુજતા પગે ઉઠી અને નીચે બેસી જઈ ડોક્ટર અપશુંના ચરણસ્પર્શ કરવા લાગ્યો. ત્યાં જ માથું રાખી લાગણીના ડુમો ભરાયેલા શબ્દો બોલ્યો,” ડોક્ટર તમારા વિશે મને કોઈ ફરિયાદ નથી. તમે મારા પિતાજીની ખૂબ જ ઉત્તમ સારવાર કરી છે પરંતુ આ સારવારના બદલામાં હું તમારું બિલ ભરી શકું એમ નથી. મેં ઘણી કોશિશ કરી જોઈ પરંતુ તમારા બિલનો વિચાર આવતા જ મને કોઈ રસ્તો દેખાતો નથી. હું મજબૂર છું. તમે મને જે સજા આપો એ મને મંજૂર છે. તમે કહો તો તમારા બિલનો એક એક રૂપિયો હું અહીંયા નોકર તરીકે રહીને વાળી આપીશ. માફ કરજો.” એટલામાં જ ઓફિસના દરવાજે એક વડીલ જેવા લાગતા નર્સ બહેન દાખલ થયા. ઓફિસનુ આ દ્રશ્ય જોઈ તેઓ પણ લાગણીવશ બન્યા. છતાં એમનું કરમાયેલુ મુખ હાસ્ય વેરતું હતું. હળવેકથી તેઓ નજીક આવ્યા અને ખુરશીમાં બેઠા. ડોક્ટર અપશુ શું બોલવું એ જ વિચારી રહ્યા હતા ત્યાં જ આ નર્સ બહેને ઈશારો કરી એને ચૂપ રહેવા કહ્યું અને પોતે બોલ્યા,” બેટા જતીન તું શું કરવા આટલી બધી ચિંતા કરે છે ? તારે તારા બિલની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ દવાખાનું, આ ડોક્ટર બધું જ તારા ઘરના જ છે એમ જ સમજ.” એને સમજ ના પડતા તે પોતાની આંખો લુસી અને ફરી પાછો ઉભો થઇ ખુરશીમાં બેસી ગયો. નર્સ બહેને બાજુની જ ખુરશીમાં બેઠા હતા.તેમને જતીનની પીઠ ઉપર લાગણીસભર હાથ ફેરવી અને બોલ્યા ,”જતીન કેમ બિલ ની આટલી ચિંતા કરે છે ?”
” શું કરું બહેન ? હું એક ગરીબ ભાડા માટે પણ ઉછીના રૂપિયા શોધતો છોકરો ! તમારું બિલ કેટલું હશે એ વિચારીને જ મને તો રડવું આવે છે. કેવી રીતે તમારું બિલ ચૂકવી શકીશ ?” જતીનના મોઢામાંથી હજુ સુધી લાગણીથી ભીંજાયેલા શબ્દો જાણે અધૂરા અધુરા જ નીકળતા હતા. તેણે આગળ વધાર્યું ,”ડોક્ટર મારે એક વાત જાણવી છે કે મારા પિતાજીને 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો પછી તેઓ આ તમારા પ્રાઇવેટ દવાખાનામાં કેવી રીતે આવ્યા ?” ડોક્ટર આપશું તો મૂક બની જતીનને જોઈ જ રહી હતી.જાણે જતીનની હાલત ઉપર તેમને ખૂબ તરસ આવતી હતી. ફરી પાછા બાજુમાં બેઠેલા નર્સ બેને શરૂ કર્યું,” સાંભળ બેટા ! તારા પિતાજીને બાજુની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં મારી એક બહેનપણી નર્સ તરીકે ફરજ બજાવે છે. સાંજે અમે ઘણી વખત સાથે જ ઘરે જઈએ છીએ. એ વખતે પણ અમે સાથે જ ઘરે જવા નીકળ્યા હતા. તેના દ્વારા જાણવા મળ્યું હતું કે તેની હોસ્પિટલમાં તારા પિતાજી દાખલ થયેલા છે. બીજા દિવસે હું અહીંયા આવી અને ડોક્ટર અપશુંને વાત કરતા તેમને તાત્કાલિક ત્યાંથી તારા પિતાજીને આ હોસ્પિટલમાં ફેરબદલ કર્યા છે. જતીનથી અચાનક જ પૂછાઈ ગયું,” પણ કેમ ? આ હોસ્પિટલ તો સરકારી સહાયવાળા કાડૅમાં પણ નથી તો પછી તમે એવું કેમ કર્યું ?” નર્સ બહેન તેને હળવેકથી એક ટપલી મારી અને કહ્યું,” અત્યારે બધું રહેવા દેને ? જ્યારે તારા પિતાજી સ્વસ્થ થશે ત્યારે તને આ વાતનો જવાબ મળી જશે.”
જતીનને હજુ સુધી પણ તાજુબ થયા કરતું હતું પરંતુ હવે એક મહિનો વધારે રાહ જોવી પડે એના સિવાય કોઈ છૂટકો નહોતો. જતીન ત્યાંથી બહાર ગયો. આ વાત પોતાની બહેનોને પણ કહી છતાં બહેનો ત્રણેય આ વાત માનવા તૈયાર જ નહોતી અને બિલ અંગે સતત ચિંતા કર્યા કરતી હતી. કોઈક જતીનને બુધ્ધુ કહેતું હતું તો કોઈ એને નકામો અને બેરોજગાર ગણતી હતી. જતીનના ત્રણેય બનેવીઓ પણ ઘણીવાર જતીનને એના વિશે ઠપકો આપતા હતા. જતીન બધું મૂંગા મોઢે સહન કર્યે જતો હતો.
ધીરે ધીરે કરતાં સમય પસાર થયો અને હવે એના પિતાજીને દવાખાનામાંથી રજા આપવાનો વખત આવ્યો.આજે જતીનને બે વાતનો જાણે આનંદ હતો. એક તો એના પિતાજી સ્વસ્થ થઈ પહેલા હતા એવા જ બોલતા થઈ ગયા હતા. બીજી બાજુ આજે નસૅ બેન દ્વારા પોતાના દરેક પ્રશ્નનો જવાબ મળવાનો હતો. દસ વાગ્યા ડોક્ટર અપશુ આવી ગયા. વડીલ નર્સ બહેન પણ આવી પહોંચ્યા. પિતાજીને રજા આપવાનો વખત થતાં બધા એમના રૂમમાં ભેગા થયા. જતીનના પિતાજી જગમોહન બધું જોઈ રહ્યા હતા અને ખુશ દેખાતા હતા. પેલા વૃદ્ધ નર્સ બહેન હળવેકથી તેમની બાજુમાં જઈને બેઠા અને બોલી ઉઠ્યા,” કેમ છો જગમોહન કાકા મજામાં છો ?” કાકા જાણે અચરજ પામ્યા”બેન પણ તમે મને કેવી રીતે ઓળખો છો ? પિતાજી નવાઈથી આંખો બે ત્રણવાર ઘુમાવીને બોલ્યા.નર્સ ફરી આગળ બોલ્યા,” કેમ ભૂલી ગયા ? આજથી 25 વર્ષ પહેલા જીવનધારા હોસ્પિટલમાં તમે તમારી પત્નીને પ્રસુતિ વખતે લઈને આવ્યા હતા ?”
” હા…હા… યાદ છે ! યાદ છે ! પણ એ તો હોસ્પિટલ બીજી હતી અને તમે અહીંયા…!” કાકા જાણે યાદ કરતા હોય એમ પોતાના ભૂતકાળમાં સરી પડી શબ્દો બોલતા હતા. નર્સ આગળ બોલ્યા,’ હા હા એ તો હોસ્પિટલ બીજી હતી પરંતુ આ હોસ્પિટલ મારા દીકરાની એટલે હું અહીંયા જે બને તે સેવા કરું છું.”બાજુમાં ઉભેલો જતીન અને તેની ત્રણ બહેનો કશું સમજતા ન હતા. શેની વાત ચાલી રહી છે ? એટલામાં જ ડોક્ટર અપશું પણ આવી પહોંચ્યા. તે પણ કાકાના બેડની બાજુમાં ટેબલ ઉપર બેઠા. નસૅબહેને અપશુ સામે જોઈ અને ભૂતકાળ વાગોળતા હોય એમ બોલ્યા,” જગમોહનકાકા તમારી એક ગંભીર ભૂલ અને અપરાધ આજે હું કહેવા માગું છું. મારી ઓળખાણ પણ એની સાથે જ જોડાયેલી છે.” આટલું સાંભળતા જ જગમોહનકાકાની આંખો ટપકી ગઈ. ચહેરો લાચાર થવા લાગ્યો. આંખોમાં જાણે શરમની ટશરો ફૂટવા માંડી. તે રડવા જેવા થઈ ગયા,” હા બેન કહી દો ! આમેય હવે મને મારા એ અપરાધ ઉપર ખૂબ અફસોસ થઈ રહ્યો છે. આજે તમે મારો એ ગુનો બધાની સમક્ષ રજૂ કરો એટલે મારા મનનો ભાર હળવો થઈ જાય.” જતીન અને એની બહેનો તો એકબીજાનો મોઢા જ જોતી હતી. “પિતાજી શું બોલી રહ્યા છે ? કયા અપરાધની વાત કરી રહ્યા છે ?”નર્સ બહેને શરૂ કર્યું.” બેટા જતીન ! તારા પિતાજી આજથી 25 વર્ષ પહેલા જીવનધારા હોસ્પિટલમાં તારી માતાને પ્રસુતિ કરાવવા લઈ આવ્યા હતા.આ પહેલા તારે ત્રણ બહેનો જન્મી ચૂકી હતી એટલે સમાજના મારથી, મ્હેણાથી કંટાળી આ વખતે જગમોહનકાકા પોતાને પુત્ર જ આવશે એવું વિચારી રહ્યા હતા પણ જાણે કુદરત પણ એમની સામે જીદ માંડીને બેઠો હતો. એ વખતે જ એક દીકરીનો જન્મ થયો. એના સમાચાર સાંભળતા જ તારા પિતાજી ખૂબ દુઃખી-દુઃખી થઈ ગયા હતા. સાથે ખૂબ ગુસ્સે પણ ભરાયા હતા કે “ભગવાન મને દીકરીઓ જ કેમ આપે છે ? એ અપશુકનિયાળ ને મારા ઘરે કેમ મોકલે છે ? મને પુત્ર સુખ ક્યારે મળશે ? બસ અપશુકનિયાળ કેમ આપે રાખે છે તું !”તેઓ એટલા બધા ઉદાસીન થઈ ગયા હતા કે એ દીકરીને જન્મતા વેંત મારા હાથમાં જ મૂકી અને કહ્યું,” આ દીકરીને કચરામાં ફેંકી દેજો અથવા અનાથ આશ્રમમાં કે જ્યાં મુકવી હોય ત્યાં મૂકી દેજો. હું તમને આ કામ માટે જે રૂપિયા જોઈએ એ આપી દઉં છું. મારે આ દીકરી જોઈતી નથી. મેં પૈસા તો ના લીધા પરંતુ તારા પિતાજી એ દીકરીને અપશુકનિયાળ ! અપશુકનિયાળ ! એવું કહે જતા હતા એટલે હું એને મારા માટે સુકન્યા ઘણી અને મારા ઘરે લઈ ગઈ. મે એનું નામ અપશુકનિયાળ એવું જ રાખવાનું વિચાર્યું હતું પણ એ યોગ્ય ન લાગતાં એમાંથી જ શબ્દ લઈ “અપશું” નામ પાડ્યું. જે સામે બેઠેલી ડોક્ટર છે એ જ ! અને બીજું અપશું ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. ભણી ગણીને તે પણ ડોક્ટર બની એટલે મારા જ એક દીયરનો દીકરો હતો. એને પણ મે જ ઉછેરેલો છે. તે પણ આપશુ સાથે માટો થયો હતો માટે મેં અપશુંને એની સાથે લગ્ન પણ કરાવી દીધા છે. એ પણ આ જીવન જ્યોતિ હોસ્પિટલમાં ડોક્ટર છે અને અપશું પણ આ દવાખાનું સંભાળી રહી છે. જતીન હવે તો તું સમજી ગયો હોઈશ કે હું તને હોસ્પિટલનું બિલ ભરવાનું શા માટે ના પાડતી હતી ?”
જતીન અને એની બહેનો ફાટી આંખે પિતાજીને જોઈ રહ્યા હતા. બીજી બાજુ એમ પણ વિચારી રહ્યા હતા કે,” જેને પિતાજી કચરો સમજીને ફેકી દીધી હતી એ તો ખરેખર કંચન નીકળી ! અમારા જ જીવનમાં ખુશીઓ પાછી લઈ આવી.સામે જગમોહનકાકા પથારીમાં પડ્યા પડ્યા જ હાથ જોડી કહી રહ્યા હતા,” બેટા અપશું મને માફ કરી દે છે ! હું તારો ગુનેગાર છું. તું જે સજા કરે એ મને મંજૂર છે.કાકાથી રીતસરની પોક મૂકીઈ ગઈ હતી.અપશું પણ ઊભી થઈ પોતાના પિતાજીના જોડેલા હાથ પકડી લઈ એના પર માથું ઢાળી દીધું સામે એ પણ ચોધાર આંસુડે રડી રહી હતી. વાતાવરણ ખૂબ ગમગીન થઈ ગયું હતું. આખા રૂમમાં લાગણીનો ઘેરો સન્નાટો છવાઈ ગયો હતો.