Gujarat
આણંદ જિલ્લામાં રેશનિંગની દુકાનોમાં ડબલ ફિંગર પ્રિન્ટના નિર્ણયથી કાર્ડધારકોને ધરમધકકા, દુકાનદારો ત્રાહિમામ
અગાઉ રપ ટકાના બદલે હવે ૬પ ટકા અંગૂઠો મેચ થાય તો જ સોફટવેર અનાજની કૂપન માન્ય ગણતું હોવાથી ગ્રાહકો પરેશાન -વિનામૂલ્યે તેમજ નાણાંથી મળતા અનાજ માટે બે-બે વખત અંગૂઠો આપવાની પ્રક્રિયામાં સોફટવેરની મિસ મેચની ઝંઝટરાજય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થામાં હવે ડબલ ફિંગર પ્રિન્ટ લેવાનો રાજય તરફથી નિર્ણય અમલી બનાવાયો છે. આ નિર્ણયથી સર્જાતી અનેક ખામીઓના કારણે આણંદ જિલ્લાના મોટાભાગના રેશનિંગ દુકાનના સંચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જયારે કાર્ડધારકોને પણ અંગૂઠો મેચ ન થવાના કારણે વારંવાર દુકાને ધરમધકકા ખાવા પડી રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે.
આણંદ શહેર સહિત જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં જાન્યુઆરી ર૦ર૩થી જાહેર વિતરણ વ્યવસ્થામાં એનએફએસએ, અંત્યોદય યોજનાના રેશનકાર્ડ ધારકોને ઘંઉ, ચોખા મફતમાં આપવાની અને તુવેરદાળ, ચણા, ખાંડ, મીઠું વગેરે નિયત ભાવથી અને નિયત પ્રમાણ મુજબ વિતરણ કરવાનું જાહેર કરાયું છે. જિલ્લામાં એનએફએસએ યોજનામાં ર.૬૦ લાખ પરિવારો રેશનકાર્ડ ધરાવે છે. જેઓને આ મહિનેથી બાયોમેટ્રીકસ ફિંંગર મેચ કરીને જથ્થો મેળવવાનો હોય છે.
જોકે, ચાલુ માસથી અંગૂઠાના નિશાન લેવાના સોફટવેરમાં કરેલા ફેરફારથી અને શિયાળાની ઋતુમાં ફિંગર મિસમેચ થતા હોવાથી ગ્રાહકો પરેશાન થઇ રહ્યા છે. જેમાં વારંવાર ધરમધકકાથી સમયનો વ્યય થઇ રહ્યો છે. બીજી તરફ કયારેક વિનામૂલ્યે મળતા જથ્થાનો ફિંગર મેચ થાય તો જ ગ્રાહકને અનાજ અપાય છે. જયારે તે જ ગ્રાહકને નાણાંથી મળતા જથ્થા માટે ફિંગર મિસ મેચ થાય તો ફરીવાર દુકાને જવું પડે છે. રેશનિંગની દુકાનોના સંચાલકના જણાવ્યાનુસાર અગાઉ રેશનકાર્ડધારકનો અંગૂઠો રપ ટકા મેચ થાય તો સોફટવેર તે સ્વીકારી લેતું હતું અને નીકળતી કૂપન મુજબ ગ્રાહકને અનાજ આપવામાં આવતું હતું.
પરંતુ હવે સોફટવેરમાં ફેરફાર કરાયો છે. જેમાં ગ્રાહકનો અંગૂઠો ૬પ ટકા મેચ થાય તો જ કૂપન નીકળે છે. જેથી અનેકો ગ્રાહકોના અંગૂઠા શિયાળાના કારણે ફાટી જવાથી ખરબચડા બની જતાં સોફટવેરમાં મિસ મેચ થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે પુરવઠા વિભાગ સત્વરે યોગ્ય વિકલ્પ અમલી બનાવે તે જરુરી હોવાનો મત વ્યકત કર્યો હતો.
શિયાળાની ઋતુમાં અંગૂઠો, આંગળીઓ ફાટી કે ચીરા પડવાથી ફિંગરપ્રિન્ટ સોફટવેર સ્વીકારતું નથી : દુકાન સંચાલક
આણંદ જિલ્લામાં રેશનિંગની દુકાન ચલાવતા દુકાનદારો પૈકીએ જણાવ્યું હતું કે, હાલ શિયાળાની ઋતુમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ, મધ્યમવર્ગીય લોકોના હાથ,પગના અંગૂઠા ફાટી જવાથી ચીરા પડવાની સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યાથી પીડિત કાર્ડધારકનો અંગૂઠો પુરવઠાનું સોફટવેર અમાન્ય, મિસ મેચ દર્શાવે છે. આથી કાર્ડધારકની કૂપન ન નીકળવાથી અનાજ આપી શકાતું નથી. જયારે કેટલીક વખત પુરવઠાનું સર્વર સાવ ધીમું કે ઠપ્પ થઇ જતું હોય છે. આથી નેટ કનેકટીવિટી ન મળવાથી કાર્ડધારકનો અંગૂઠો મેચ થવા છતાંયે કૂપન નીકળતી નથી. જેના કારણે ઘણી વખત ગ્રાહકો સાથે બોલાચાલી પણ થાય છે. આથી પરેશાનીભરી આ સ્થિતિનો સત્વરે નિકાલ લાવવામાં આવે તે જરુરી હોવાનું જણાવ્યું હતું.
કેન્દ્ર અને રાજયની યોજના માટે ફિંગર પ્રિન્ટ મામલે રેશનિંગ દુકાનદારોની મુખ્યમંત્રીને રજૂઆત
સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. જેમાં એનએફએસએ ગ્રાહકોને એક વર્ષ માટે મફત યોજનાને આવકારીને કેન્દ્ર અને રાજય સરકારની અલગ અલગ સ્કીમો માટે અલગ ફિંગરપ્રિન્ટ લેવામાં પડતી તકલીફ અંગે જણાવ્યું છે. જેમાં ગ્રાહકોને ડબલ ફીંગર પ્રિન્ટ આપવી પડતી હોવા સામે રાજય પુરવઠા વિભાગનું સર્વર ધીમું હોવાનો ઉલ્લેખ કરાયો છે. વધુમાં ફિંગરપ્રિન્ટ ન આવવી, શિયાળામાં મજૂરિયાત વર્ગના કાર્ડધારકોના અંગૂઠા ફાટી જવાના કારણે ઓનલાઇન ફિંગર મેચ ન થવી તથા એક જ ગ્રાહકના બે વખત ફિંગર લેવાથી થતી સમસ્યાનો સત્વરે નિકાલ લાવવા અપીલ કરવામાં આવી છે.
બ્યુરો હેડ બસર ચિશ્તી આણંદ..