Chhota Udepur
કવાંટ તાલુકાનો દિવ્યાંગ વ્યક્તિ ડબલ ગ્રેજ્યુએટ અનુસ્નાતક સુધી અભ્યાસ કરીને શિક્ષક બનીને વિદ્યાર્થીઓના પથ પર રોશની પાથરે છે
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
સૈડીવાસણ સ્કુલના એક શિક્ષક હર્ષેશ ચૌહાણ દિવ્યાંગ છે, તેઓ આંખોથી દ્રષ્ટિહીન છે. પ્રાથમિક શિક્ષક હોવા છતાં તેની પાસે એમ.એ.બીએડની લાયકાત છે. એ પણ અંગ્રેજી વિષય સાથે. આવી સરસ શાળાને આટલા ગુણવત્તાયુક્ત શિક્ષક મળવા એક ગૌરવની વાત કહી શકાય. એક દ્રષ્ટિહીન શિક્ષક માટે અંગ્રેજી વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ થવું એ કઈ જેવી તેવી વાત નથી. હર્ષેશભાઈએ પોતાનો અનુસ્નાતકનો અભ્યાસ એચ.કે આર્ટસ કોલેજ, અમદાવાદથી પૂર્ણ કર્યો, અને એજી ટીચર્સ કોલેજમાંથી બી.એડ કર્યું, એલડી કોલેજમાંથી સ્નાતક થયા. અમદાવાદની આવી ખ્યાતનામ કોલેજોમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ છોટાઉદેપુર જીલ્લાના અંતરિયાળ ગામમાં નોકરી માટે સ્થાયી થયા છે. તેઓ કહે છે કે અભ્યાસ માટે તેમણે અમદાવાદમાં ખુબ સંઘર્ષ કર્યો અને તકલીફો વેઠી, જેની મહેનતના ફળ તેમને આજે મળી રહ્યા છે. તેઓએ તમામ પરીક્ષામાં રાઈટર રાખીને બોલીને જવાબો લખાવ્યા છે. શિક્ષક તરીકે તેમને વાંચનનો શોખ હોય તે સ્વાભાવિક છે પરંતુ તેમની દિવ્યાંગ પરિસ્થિતિને લીધે કેમ વાંચી શકે ? પોતાનો શોખ પૂરો કરવા તેમણે ભારત સરકારની દ્રષ્ટિહીન લોકો માટેની દેશની સૌથી મોટી ઓનલાઈન લાઈબ્રેરી સુગમ્ય પુસ્તકાલય એપનો ઉપયોગ કરીને જ્ઞાનના અખૂટ ભંડારને પામવાનું શરુ કર્યું.
જેમાં ઓડીયો બુક પ્રાપ્ય હોય છે. આ ઉપરાંત તેઓ શૈક્ષણિક સજ્જતા કેળવવા યુટ્યુબ, એમેઝોન કિન્ડલ, એમેઝોન પ્રાઈમ જેવા સબસ્ક્રીપ્સન લીધેલા છે.
આપણા યશસ્વી વડાપ્રધાને ૨૦૧૫માં દિવ્યાંગજનો માટે સમાન તક મળે અને ભૌતિક સુલભતા મળે તે માટે પ્રયત્નો કર્યા. દેશના તમામ નાગરિકો સશક્ત બને, સર્વસમાવેશક સમાજનું નિર્માણ થાય, જેથી સમાનતા અને સહકારની ભાવનાથી સમાજમાં સંવાદિતા બની રહે અને સમાજના દરેક વર્ગનો વ્યક્તિ આગળ વધે તેવા કાયદાઓ અને વ્યવસ્થાઓ સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે વર્તમાન સમયમાં લાગુ પાડેલ છે.
હર્ષેશભાઈને પૂછ્યું કે વર્ગ ખંડમાં તેઓ કેવી રીતે ભણાવે છે અને કેવું આયોજન કરે છે, તો હર્ષેશભાઈએ જણાવ્યું કે તેમને વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે સમય પસાર કરવો ખુબ જ ગમે છે. તેઓ બ્રેલ લીપીની પુસ્તકમાંથી પ્રશ્નો બનાવીને બાળકોને રસપ્રદ અને સહેલું બનાવી પૂછે છે. બાળકોને કુતુહલ થાય છે કે તેમના ટીચર કેવી રીતે બધું જાણી શકતા હશે. હર્ષેશભાઈને પૂછ્યું કે પરીક્ષા પદ્ધતિ કેવી હોવી જોઈએ તેના જવાબમાં તેમણે કીધું કે નવી શિક્ષણ નીતિમાં ગોખણીયા જ્ઞાનને બદલે સમજ પર ભાર મુકવામાં આવ્યો છે તેમ બાળકોની સમજને આધારે પરીક્ષાઓ હોવી જોઈએ. તેઓ જણાવે છે કે તેમને વર્ગખંડમાં કોઈ તકલીફ નથી પડતી અને દરેક બાળક સપોર્ટ કરે છે. આપણે આશા રાખીએ કે હર્ષેશભાઈ જેવા દિવ્યાંગ જ્ઞાન પિપાસુ શિક્ષકોના અંતરચક્ષુ થકી જગતમાં રોશની ફેલાવે.